History

વડાલા એક આછો પરિચય

ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં અને ગાંધીધામ થી લગભગ 45 કિલોમીટરની દુરી પર વડાલા આવેલ છે. કચ્છી ભાષામાં એનું નામ વરાડો ગાંધીધામથી મુન્દ્રા માંડવીનાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઊપર જતાં જૈનોની વસ્તી ધરાવતું પહેલુંજ ગામ વડાલા આવે છે. વડલાનું ક્ષેત્રફળ મુળ જમીન વિસ્તાર લગભગ 8997 એકર છે. જેમાં ખેડવાન જમીન 6699 એકરમાં પથરાયેલી છે.

વડાલા ગામની હસ્તી લગભગ 1000 વર્ષ અગાઊની ગણાય છે. એ સમયમાં સમા, નોળ, નોતિયા, ચૌહાણ વગેરે ઈત્તર કોમોની વસાહત હતી. સંવત 1900 સુધી મેમણ કોમનાં 130 કુટુંબોના વસવાટની માહિતી મળે છે, જેનાં અવશેષો અત્યારે પણ ગામમાં જોવા મળે છે. મેમણોએ બનાવેલ મસ્જીદ મેમણ ફળિયામાં મોજુદ છે. ડેલી ફળિયાની આથમણી બાજુ મુસલમાન તથા ઈત્તર કોમોએ બનાવેલ બીજી મસ્જીદ મોજુદ છે. ઉપરાંત હાલ પાંજરાપોળ અસ્તિત્વમાં છે. ત્યાં જુની ધર્મશાળા હતી. તેમાં કાલકામાતાની મૂર્તિ હતી તે જગ્યાએ નવું મંદિર બાંધી તેમાં તેની સ્થાપના કરેલ છે.

સોળમા સૈકામાં સંવત 1636 માં વિસા ઓશવાળ જૈનો વસ્યા મુખ્યત્વે શેઠીયા, ગાલા, ગડા, ગોગરી, સોની, દેઢિયા એ મુખ્ય નુખોના ભાઈઓ આવેલા મયાજર શેઠીયાએ હાલમાં કંઢા ફળિયામાં જે કંઢો છે, અને સોની ફળિયાનાં નાકે માવજી સુતારની જગ્યા છે.તે જગ્યાએ એવો જ કંઢો હતો એ બન્ને કંઢામાં તોરણ બાંધી વસવાટની શરુઆત કરેલ. એ સમયે આખા ગામમાં ધુવાબંધ શીરાનું જમણવાર કરવામાં આવેલ તેના ઊપરથી કહેવત પડી છે ગાલા ગડા ગોગરી શેઠીયા શિલેધાર વડાલાનાં શેઠીયા શીરાનાં દાતાર ગામની ઊગમણી તરફ નદીના પશ્ચિમ કિનારાની લગોલગ શેઠીયા ફળિયો કહેવાયો શેઠીયા ફળિયાની પશ્ચિમે ગાલાઓનો વસવાટ થયો. જે અત્યારે ઈશરાણી ફળિયો કહેવાય છે. તેની પશ્ચિમ અને દક્ષિણમાં ગોગરીઓએ વસવાટ કરેલ શેઠીયાઓની એક પાંખડીમાં દેઢીયા આવેલ. ગાલા નુખમાંથી સોઢા, ઈશરાણી, રાગણી, ભોણાણી વગેરે નુખનાં ભાઈઓ આવેલા સોઢા ગાલા નુખનાં છે. સોની ફળિયાની પશ્ચિમે કંઢો ફળિયો કહેવાય છે, તે શરુઆત માં ગડા ફળિયો હતો. ગડા નુખનાં વારસામાં નીસર, વીરા, સાવલા નુખનાં ભાઈઓ ત્યાર પછી જૈનોની વસ્તી વધતા ગામની દક્ષિણે બીજા ફળિયા અસ્તિત્વમાં આવેલ જે હાલમાં નાના ફળિયા તરીકે ઓળખાય છે. આમ જૈનોની વસ્તીની શરુઆત થઈ તે સમયમાં મુખ્ય વ્યવસાય ખેતીવાડી હતી.

ત્યારબાદ વડાલામાં મહારાવશ્રી ખેંગારજીના કુટુંબીઓ આવ્યા. તેઓને મહારાવશ્રીએ ગણોતની વસુલાત કરવા ગામ ભેટ આપેલ. તેમનાં કુટુંબીઓ હાલારી ચોવીસીઓ તરીકે ઓળખાય છે. નાના ફળિયામાં ઠકરાઈઓનું અલગ વાસ વસાવવામાં આવેલ જે આજે પણ મોજુદ છે. મોકાજીનાં નામ ઉપરથી તળાવનું નામ મોકાસર પાડવામાં આવેલ છે. ગામનું મુખ્યપ્રવેશદ્વાર દક્ષિણ પશ્ચિમ બાજુએથી રાષ્ટ્રીય ધોરી માર્ગ આગળથી શરુ થાય છે. ગામમાં પ્રવેશતાં શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજન હસ્તક ચાલતી મુખ્ય પ્રવૃત્તિ પાંજરાપોળ ના દર્શન થાય છે. સંવત 2018 નાં વર્ષમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. એ વખતે ગ્રામવાસીઓને લાગ્યું કે સેવા-ધર્મ-ફરજનાં ત્રિવિધ રુપે મુંગા અબોલ જીવો માટેની પ્રવૃત્તિની જરુર છે. ત્યારે વાડા ના રુપથી શુભ શરુઆત થયેલ અને આજે કામથી પાંજરાપોળ ઉભી થઈ ગઈ છે. એ માટે શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજને સારી એવી રકમ કાયમી ભંડોળમાં મળેલ છે. પાંજરાપોળની લગોલગ 'કાલકામાતાનું' નવું સુશોભીત મંદિર છે જે ગ્રામવાસીઓએ લોકફાળાથી બનાવેલ છે. કાલકામાતાની ઘણી રસપ્રદ નવાઈ પમાડે તેવી લોકવાયકાઓ છે. એમાં સંવત ૧૯૯૨માં મહાસતી ઝવેરબાઈ સ્વામિના દિક્ષા પ્રસંગે ની વાત છે. એ સમયમાં સારા પ્રસંગોએ જગમણવારની પ્રથા હતી અને દિક્ષા પ્રસંગે ચોકડો જમાડવાનું નક્કી કરવામાં આવેલ. ચાકડો એટલે કંઠી વિસ્તારના લગભગ ચાર ગામ આવી જાય. આવા જમણવાર ધર્મશાળામાં કરવામાં આવતાં ધાર્યા કરતાં સંખ્યા વધી ગઈ. બુંદી, લાડવાનું જમણ હતું. લાડવા ઘટી જાય તેવું બુઝુર્ગ વડિલોને લાગતા તુરત જ કાલકામાતાનું સ્મરણ કર્યું. બુંદીના લાડવાના થાળ કાળકામાનાં ડેલામાં ગોઠવી દીધા. પુરો ચોકડો જમ્યા છતા પણ લાડવા ઘટયા નહિ, આવી ચમત્કારી કાળકામાતાની લોકવાયકા છે.

કાલકામાતાના મંદિરથી, પાંચ ડગલાં આગળ સિતલામાતાની દેરી આવેલ છે. જેની સિતલાસાતમનાં દિવસે સારાયે ગ્રામવાસીઓ પૂજા કરે છે. થોડુંક આગળ ચાલતાં શંકર ભગવાનનું મંદિર બરાબર વથાણની પાસે આવેલ છે. આ બન્ને મંદિરો વડાલા ગામનાં પુરાતત્વનાં અવશેષરુપે અડીખમ ઊભેલા જોવામાં આવે છે ત્યાંથી ગામનું“વથાણ” ગામનો ચોરો શરુ થાય છે. વથાણની જે રચના છે તે કંઠી વિસ્તારના કોઇ પણ ગામમાં જોવા નહીં મળે તેવી છે. વથાણની લગોલગ મોકાસર તળાવ આવેલ છે. જેની ઉંચી ઉંચી પાળો પર વર્ષો જુના વડલાઓ સાંજે પણ અડિખમ ઉભેલા જોવામાં આવે છે. એ વડલાઓની નીચે 'ઓપનએર થીએટર' બનાવવામાં આવેલ છે. નથાણામાં ચબુતરો, ગેસ્ટ હાઉસ, દવાખાનું, બસ સ્ટેન્ડ. પાણીનું પરબ, શાકમારકેટ, ગ્રામપંચાયતનુ મકાન, ટેલીફોન કેન્દ્ર, કુમારશાળા અને વચ્ચે વિશાળ ભાવધીપીરનો ઓટલો છે સવારે-બપોરે સાંજે બસની રાહ જોતા શિતળ મધુરો વાયરો ખાતા, ચર્ચાઓ કરતાં, નોટરમ રમતા ગ્રામવાસીઓની ભીડ જોવામાં આવે છે. આગળ ચાલતાં કન્યાશાળા, અને બાલમંદિરના ૮ આધુનિક ઢબનાં મકાનો આવે છે. એ સિવાય ગામની આજુબાજુ હનુમાનની દેરી, આસોપી૨, છત્તાપીર, ગેબનસાપીર, ગણેશદેરી, દાદાની દેરી, રાવળપીર જખદાદાના ઘોડલાઓ ખેતલીઓ પીર વગેરે નાની મોટી દેરીઓ મંદિરોના દર્શન થાય છે. વિશેષમાં આખા ગામને નાગચુડ લેતી લોકમાતા સાકરી નદી ગામની ત્રણે બાજુ આવેલ છે. એ નદીમાં ધોવણગાટ પાણીનો ટાંકો, હવાડો, મીઠા પાણીનો કુવો તથા સ્મશાનભુમી આવેલ છે. ઉપરાંત ગામમાં બેંકિંગ સેવા, પોસ્ટ સેવા ટેલીફોન સેવા જેવી મુખ્ય સવલતો ઉપલબ્ધ છે. ગામમાં લગભગ ૩૫ જેટલા ટેલીફોન છે. વિવિધ ધર્મ પાડતી જાતીઓની એકરાગતા જ્યાં વર્તે છે. જે ધરતી પર જીવનનો પહેલો શ્વાસ લીધે છે. જેના અન્ન પયપાને પીંડ બંધાણું છે. જે ધરતીએ સુખ દુ:ખમાં સહારી આપી છે. છત્ર બની છે. એજ ધરતીમાં અંતિમ શ્વાસ લેવાની ઉત્કૃષ્ઠ આકાંક્ષા છે. જે ધરતીએ કાંધે કફન લઇ ફરતા વીરોને જન્‍મ આપ્યો છે, આત્માનાં ઉધ્ધાર માટે ત્યાગ અને તપનો સંદેશો આપનાર સાધુ સંતોની અને ભેટ ધરી છે. સ્થાનકો, દેરાસર, મંદિરો, મસ્જીદો, દેવોની દેરીઓ, પીરોની દરગાહો શ્રધ્ધાની અખંડ જ્યોત જલાવી રહેલ છે. તે અમારી મા ભોમ તે જ અમારુ સ્વર્ગ. ઇન્દ્રલોકથી પણ પ્યારુ અતી પ્યારૂ અમારુ વડાલા એવી પુણ્યવંતી ગરવી અમારી મા ભોમ વડાલાની ધરતીને કોટી કોટી વંદન.

-નાગજી રવજી સોની

ગ્રામ માતા

આજે તારાં પૂજન થતાં, વંદન કોટી તુજને માતા,
કોટી શતક બાળક તારાં, ગૌરવ ગાથા રચીએ જતાં,
તારી ધરતી, તારું અન્ન જલ, તારે કાજે જીવત તન-ધન,
તારું નામ જગે ચમકતુ , સુરજ ચમકે જેમ ગગન,
ગ્રામ્ય કન્યાશી સરિતા શોહ, અમૃત ઝરણા અમ કાજે વહાવે,
વીર સંતોની ભૂમી તારી, કીર્તિ તારી દિગંત વ્યાપે,
તારા ચરણે હો આરંભ અંત, સહારે તારે ખેલે જીવનજંગ,
તુંહૂં માવડી ભવભવ હોજો, તારી ધૂલી હી મમ ચંદન,
હર્ષિત ચહેરે, પુલકીત વંદને, ગુણ તારા નીત ગાયે જાતાં,
ધુપ -અગર ચંદન-વીલેપન , ગ્રામ માતાનાં પૂજ્ય થાતાં .

રચનાર : સ્વ કુંવરજી મોનજી સોની

વતનની મહેક

વહાલું વતન આ વહાલું વતન,

વહાલા વતનનાં એ મોંઘાં રતન!

બળપણમાં કવિતા મુખપાઠ કરતાં આ પંક્તિઓ ગાઈ કેટકેટલી વાર હૃદય ગદ્દગદિત થઈ જતું ! ખરેખર વતન કોન પ્યારું નથી હોતું ? લીધો જન્મ ને થાવું જ ગમે રાખ આ ભૂમિમાં ? મરતી વખતે મુઠીભર રાખ પોતાના હાથમાં હોય તો પછી મોત પણ વતનપ્રેમી સૈનિકને ડરાવી શકતું નથી. વતનનાં સાદ મને સુવાસ હૃદયના કોઈક અગોચર ખૂણે સચવાઈને પડયા જ હોય છે.

કવિ સુંદરજી બેટાઈએ ગાયું છે.

પાંજે વતનજી ગાલ્યું અનેરી પાંજે વતનજી ગાલ્યું !

દૂધળા દાદાજી જેવા એ ડુંગરા,

ભૂંડી ને ભૂખરી એની વસુંધરા,

છોડ પણું છદમાં ઉછાળ્યું.

અનેરી પાંજે

ભલેને આપણું વતન આવળ, બાવળ અને બોરડીથી વીંટળાયેલું હોય, ભૂંડા ભૂખરા ડુંગરો અને વેરાન ધરતી આવા ઘાતા હોય, છતાં આપણું વતન સોનાનું છે. મા ગમે તેવી કદરૂપી હોય પણ બાળકની નજરમાં તે રૂપરૂપનો અભાર છે. વતનની માટી માણેકમોતીના મહેરામણ કરતાં વધારે કીમતે છે. વતનની ધનદોલત નહીં પરતું વત્સલયનો ખજાનો જ સૌથી મૂલ્યવાન છે.

ચિરંજીવી રહે મારું વહાલું વતન !

સંકલનકાર

પરેશ માવજી ગાલા